Dafer Story published on BBC Gujarati Service…

For full article click below link :

https://www.bbc.com/gujarati/india-53810298?fbclid=IwAR2fjW6lf909VeyeW2NRO-ixjuqVOj5qJVbNtW44uOA0u0llIvyAnoyfsYg

“મૃત્યુ બાદ અમારે અમારા સ્વજનનો જનાજો ખભે લઈને દફનવિધિ માટે એક ગામથી બીજે ગામ અને એક કબ્રસ્તાનથી બીજા કબ્રસ્તાન ભટકવું પડે છે.”

“આખી જિંદગી જમીનવિહોણા રહેલા અમારા માણસોને મરણ બાદ દફનવિધિ માટે પણ થોડી જમીન નસીબ મેળવવામાં મુશ્કેલી પડે છે.”

આ શબ્દો છે મહેસાણાના કડી તાલુકાના મેડા-આદરેજ ગામના રહેવાસી દિલાવરભાઈ ડફેરના.

મૃત્યુ પામેલા પોતાનાં સ્વજનની દફનવિધિ માટે આખરે કેમ વલખાં મારવાં પડે છે?

આ પ્રશ્નના જવાબમાં તેઓ કહે છે કે, “અમે રહ્યા ડફેર. અમારી પાસે ન પોતાની જમીન હોય છે, ન પોતાનું મકાન. જ્યાં કામ મળે ત્યાં ગામથી દૂર ઝૂંપડાં બાંધીને રહેવા લાગીએ છીએ.”

“અન્ય સમાજના લોકો અમને ગુનેગાર કોમ માને છે, તેથી અમે જ્યાં રહીએ છીએ તે ગામમાં અમને અમારા સ્વજનોના મૃતદેહ દફનાવવા દેતા નથી. ઘણી વાર તો જનાજો ખભે લઈને 12 કલાક ચાલવું પડે છે, કબ્રસ્તાને-કબ્રસ્તાને ભટકવું પડે છે. ત્યારે જઈને કોઈ એક કબ્રસ્તાનમાં દફનવિધિ કરવાની મંજૂરી મળે છે.”

 

ગામની બહાર ઝુંપડાં બાંધીને રહેવા મજબૂર

 

મહેસાણા જિલ્લાના મેડા-આદરેજ ગામ પાસે આવીને વસેલા દિલાવરભાઈ ગામથી બે કિલોમિટર દૂર કાચું ઝૂંપડું બાંધીને રહે છે.

ખેતમજૂર તરીકે કામ કરતા દિલાવરભાઈ આમ તો છેલ્લાં ચાર વર્ષથી આ જગ્યાએ રહી રહ્યા છે.

તેમ છતાં તેમના મનમાં સતત એ બીક તો રહે જ છે કે, જો આસપાસ કોઈ ગુનાહિત કૃત્ય બનશે તો ગામલોકો અને પોલીસ તેમને આ વસવાટ છોડી દેવાની ફરજ પાડશે અને તેમનાં પૌત્ર-પૌત્રીઓનું ભણતર અધૂરું રહી જશે અને તેઓ ફરીથી ઘરવિહોણા બની જશે.

પોલીસ અને ગામલોકોના આ વર્તનનું કારણ પૂછતાં તેઓ જણાવે છે કે, “અમારી જ્ઞાતિની એટલે કે ડફેર લોકોની જૂની છાપને કારણે આવું થાય છે. પહેલાં તો અમને કોઈ પોતાનાં ગામની આસપાસ ઝૂંપડાં નથી બાંધવા દેતા, જો ક્યાંક અમે ઝૂંપડાં બાંધી લઈએ અને રહેવા લાગીએ તો આસપાસ બનેલા ગમે તે ગુનામાં શંકાની સોય પહેલાં ડફેરની વસતિ પર આવે છે. પછી ભલે તે ચોરીનો ગુનો હોય કે કોઈ બીજો ગુનો.”

ડફેર સમાજના આગેવાનોનો આક્ષેપ છે કે દેશને સ્વતંત્રતા મળ્યાનાં આટલાં વર્ષો પછી પણ આ સમુદાયના લોકોના પુનર્વસન અને તેમના મુદ્દાઓની સમાજ અને તંત્રએ અવગણના કરી છે.

જોકે, હાલમાં જ સુરેન્દ્રનગર અને પાટણ જિલ્લાનાં કેટલાંક ગામોમાં ડફેર સમુદાયના લોકોને પ્લૉટ ફાળવવામાં આવ્યા છે.

તેમ છતાં ડફેર સમુદાયના લોકો માટે કાયમી વસવાટની કોઈ વ્યવસ્થા નથી થઈ શકી, એ માટે પણ આ સમાજના અગ્રણી લોકો સરકારની ઇચ્છાશક્તિ ઉપર જ પ્રશ્ન ઉઠાવે છે.

ગુજરાતમાં વિચરતું જીવન ગાળવા મજબૂર ડફેરોની વાસ્તવિક પરિસ્થિતિની પ્રાથમિક માહિતી મેળવ્યા બાદ વાત કરીએ કે આખરે ડફેર લોકો કોણ છે? 

કોણ છે ડફેર?

 

 

ડફેર સમુદાય જેવી અન્ય વિચરતી જાતિઓને મુખ્ય પ્રવાહમાં લાવવા માટે કાર્ય કરતાં સમાજકાર્યકર અને વિચરતા સમુદાય સમર્થન મંચના સ્થાપક મિતલ પટેલ વાત કરતાં જણાવે છે કે, “ડફેર સમુદાયના લોકો પોતે જણાવે છે કે તેઓ મૂળ સંધિ કોમના લોકો છે. જે એક વિમુક્ત જાતિ જ છે.”

“સમય સાથે તેમના માટે સ્થાનિક લોકો દ્વારા ડફેર શબ્દ પ્રયોજાયો અને તે હંમેશાં માટે તેમની સાથે જોડાઈ ગયો.”

ડફેરોની રહેણીકરણી અને તેમના જીવનધોરણ વિશે વાત કરતાં તેઓ કહે છે કે, “ડફેરો મુસ્લિમ ધર્મ પાળે છે, દક્ષિણ ગુજરાતને બાદ કરતાં રાજ્યના તમામ જિલ્લાઓમાં તેમની વસતિ જોવા મળે છે, સમગ્ર રાજ્યમાં તેમની વસતિ આશરે 12થી 15 હજાર છે.”

“પહેલાંના સમયમાં મોટા ભાગે આ લોકો ગામમાં ખેતરો અને સીમની રખેવાળી કરતાં. તેમજ કેટલાક લોકો લૂંટ કરીને પોતાનું ગુજરાન ચલાવતા, પરંતુ હવે પરિસ્થિતિ કંઈક અલગ છે.”

“હવે આ સમુદાયના મોટા ભાગના લોકો મહેનત- મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. સામાન્યપણે ડફેર લોકો ગામથી દૂર કાચાં ઝૂંપડાં બાંધીને રહેતા હોય છે.”

 

કેમ ડફેરોને જન્મજાત ગુનેગાર માનવામાં આવે છે?

વિચરતા સમુદાયના લોકો સાથે સામાજિક કાર્યકર મિતલ પટેલ

 

 ડફેર સમુદાયના લોકોને કેમ જન્મજાત ગુનેગાર માની લેવામાં આવે છે?

આ પ્રશ્નના જવાબમાં મિતલ પટેલ જણાવે છે કે, “ડફેર સમુદાયનું નામ અંગ્રેજોના સમયમાં ક્રિમિનલ ટ્રાઇબ્સ ઍક્ટ, 1871 અંતર્ગત ગુનાહિત પ્રવૃત્તિઓ કરતી જાતિ તરીકે સામેલ કરાયું હતું. ત્યારથી ડફેરોના નામ સાથે આ આપત્તિજનક લેબલ જોડાઈ ગયું છે.”

“ઉપરથી આ સમાજના અમુક લોકો જેઓ હજુ પણ લૂંટની પ્રવૃત્તિ સાથે સંકળાયેલા હોય છે, આવા લોકોને કારણે આખા સમાજને ગુનેગાર માની લેવામાં આવે છે. જે સદંતર ખોટું છે.”

તેઓ કહે છે કે, “ગામમાં ડફેરોને ક્યારેય ગામલોકો સાથે ગામની અંદર રહેવાની પરવાનગી નથી અપાતી. સમાજના આ પ્રકારના તિરસ્કારને કારણે આ લોકો સમાજની મુખ્યધારામાં ક્યારેય આવી જ ન શક્યા.”

“તેમજ આસપાસ ક્યાંય પણ લૂંટનો બનાવ બને તો સ્થાનિક પોલીસ પહેલાં આસપાસ આવેલી ડફેરોની વસતિમાં જઈને તેમના પુરુષોને ઉપાડીને લઈ જાય છે. “

“આ પ્રકારની માનસિકતાને કારણે આ સમાજના નામ સાથે હજુ સુધી જન્મજાત ગુનેગાર તરીકેનું લેબલ જોડાયેલું છે.”

 

બાળકોને નથી મળી શકતું શિક્ષણ?

 

 

મહેસાણા જિલ્લાના વીજાપુર તાલુકાના રહેવાસી ઉમરભાઈ ડફેર પોતાના સમાજની દયનીય પરિસ્થિતિને કારણે બાળકોને શિક્ષણ ન મળી શકતું હોવાની વાત કરતાં જણાવે છે કે, “ઘણાં ગામોમાં અમારા સમુદાયના લોકો છૂટાછવાયા ગામથી દૂર રહીને સીમનું રખોપું કરવાનું કામ કરતા હોય છે.”

“જ્યારે ગામલોકોનું કામ પતી જાય ત્યારે સમુદાયના લોકોને તાત્કાલિક પોતાનો વસવાટ છોડીને જતા રહેવા જણાવવામાં આવે છે.”

“આમ, વારંવાર વસવાટનું સ્થળ બદલાવાને કારણે બાળકો શિક્ષણથી વંચિત રહી જતાં હોય છે.”

“જ્યારે માતા-પિતા એક ગામથી બીજે ગામ જતાં રહે છે ત્યારે બાળકનું ભણતર પણ અધવચ્ચે જ છૂટી જાય છે.”

ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના જેસલજ ગામની પાસે રહેતા હયાતભાઈ ડફેર પણ પોતાનાં બાળકોના શિક્ષણ અંગે ચિંતા વ્યક્ત કરતાં કહે છે કે, “હું આ ગામ પાસે 10 વર્ષથી ઝૂંપડું બાંધીને રહું છું, પરંતુ મારી પાસે મારાં બાળકોનાં કે મારાં કોઈ પ્રમાણપત્રો કે દસ્તાવેજ નથી.”

“તે કારણે તેમનું શાળામાં ઍડમિશન નથી કરાવી શક્યો. અમારા જેવા સરનામાં વગરના લોકોનાં બાળકોને ક્યાંથી સ્કૂલમાં દાખલો મળે?”

ડફેર સમાજનાં બાળકોની શિક્ષણની સમસ્યા વિશે વાત કરતાં મિતલ પટેલ જણાવે છે કે, “રોજગારી માટે એકથી બીજે સરનામે સતત ફરતા રહેવાને કારણે ડફેર સમુદાયના લોકો પોતાનાં બાળકોને શાળાશિક્ષણ જેવી પ્રાથમિક સુવિધા ઉપલબ્ધ નથી કરાવી શકતા.”

 

પોલીસદમન અને અત્યાચારનો બન્યા શિકાર

 

મિતલ પટેલ કહે છે , “અમુક વર્ષો પહેલાં તો એવી પરિસ્થિતિ હતી કે જો સ્થાનિક પોલીસને ખબર પડે કે આસપાસ ડફેર કોમની વસતિ છે, તો તેઓ તાત્કાલિક સ્થળ પર પહોંચીને વગર કોઈ ગુને ઘરના પુરુષોને લઈ જતા.”

“જોકે, આજકાલ પરિસ્થિતિ થોડી સુધરી છે. તેમ છતાં આસપાસ બનેલા લૂંટના કિસ્સામાં હજુ પણ પોલીસની શંકાની સોય ડફેર લોકો પર જ આવી જાય છે.”

“આ સમુદાયના લોકોમાં પોલીસની એટલી બીક હોય છે કે હવે તો તેઓ લગ્નસમારોહમાં પણ વધુ સંખ્યમાં એકઠા થવામાં ગભરાય છે.”

વિચરતા સમુદાય સમર્થન મંચ દ્વારા પ્રકાશિત કરાયેલ પુસ્તિકામાં પણ ડફેરો સાથે બનતી પોલીસ અત્યાચારની ઘટનાઓ અંગે લખાયું છે.

તે મુજબ ‘મહેનત કરીને આજીવિકા રળવાનો પ્રયત્ન કરતા આ સમુદાયના લોકોને પોલીસ ખૂબ રંજાડે છે.

જે વિસ્તારમાં ડફેરના ડંગા હોય અથવા સ્થાયી વસાહતો હોય અને ત્યાં ચોરી થાય અને જો સંજોગોવસાત્ ચોરને પોલીસ પકડી ન શકે. તેવા સમયે પોલીસ ડફેર વસાહતમાં આવી, ડફેર સ્ત્રી, પુરુષો અને બાળકોને ઢોરમાર મારે છે.

તેમનાં ઝૂંપડાં અને ઘરવખરી સળગાવી દે છે અને જેટલા પુરુષ હાથમાં આવે તેટલાને પોલીસ સ્ટેશન લઈ જઈ જેલમાં પૂરી દે છે.

કોઈ ડફેર તેમને પોતાનો વાંક-ગુનો પૂછી નથી શકતો. જેમને પોલીસ પકડીને લઈ આવી હોય તેમના પરિવારજનો પણ પોલીસ સ્ટેશનમાં જઈ શકતા નથી.’

ઉમરભાઈ ડફેર જણાવે છે , “જ્યારે પણ ડફેરની વસતિની આસપાસ લૂંટ કે ચોરીના બનાવ બને છે ત્યારે વસતિના બધા ડફેર હેબતાઈ જાય છે, કારણ કે બધાને એવું જ લાગવા માંડે છે ગમે ત્યારે પોલીસ આવીને તેમની ધરપકડ કરી જશે અને એવું બને પણ છે.”

“પોલીસ દ્વારા ન માત્ર ડફેર પુરુષોની ધરપકડ કરવામાં આવે છે, પરંતુ સ્ત્રીઓ સાથે પણ તોછડું વર્તન કરવામાં આવે છે. “

ડફેરો પર થતી પોલીસદમનની ઘટનાઓ ઘટાડવા અને ડફેરોનું પણ માનવ તરીકેનું ગૌરવ જળવાય એ માટેના ઉપાય સૂચવતાં મિતલ પટેલ જણાવે છે કે, “ડફેર જેવી વંચિત કોમને પોલીસ અત્યાચારનો ભોગ ન બનવું પડે એ માટે પોલીસને આવી કોમો સાથે કેવું વર્તન કરવું તે અંગેની તાલીમ આપવાની જરૂર છે.”

“ડફેરોના પ્રશ્નોને લઈને પોલીસતંત્ર વધુ સંવેદનશીલ બને એ દિશામાં કાર્ય થવું જોઈએ.”

 

‘સામાજિક તિરસ્કારને કારણ રહી ગયા વંચિત’

 https://youtu.be/mwCbLtygX2U

 

ડફેર કોમ પ્રત્યે સમાજની માનસિકતાને તેમની દયનીય પરિસ્થિતિ માટે જવાબદાર ગણાવતાં મિતલ પટેલ જણાવે છે કે, “જ્યારે સતત રજૂઆતોને પગલે અધિકારીઓ દ્વારા ડફેર કોમના લોકોને ગામમાં પ્લૉટ ફાળવવાની વાત કરાય છે, ત્યારે બીજા કોઈ નહીં પણ ગામના લોકો દ્વારા જ તાત્કાલિક વિરોધ નોંધાવવામાં આવે છે.”

“પોતાના વિરોધ માટે તેઓ કારણ આપે છે કે, આ લોકો મુસ્લિમો છે, જો આમને ગામમાં પ્રવેશ આપશું તો મસ્જિદો બનશે, આમની સંખ્યા ગામમાં વધવા લાગશે.”

“ઘણા ગ્રામજનો ડફેર કોમના ગુનાહિત ઇતિહાસનું કારણ આપી કહે છે કે, જો આમને ગામમાં ઘર મળશે તો અવારનવાર પોલીસ ગામમાં આવવા-જવા લાગશે.”

“ટૂંકમાં તેઓ ડફેર કોમના લોકોને પોતાની સાથે ભળવા દેવા જ નથી માગતા.”

આ પરિસ્થિતિમાં થઈ રહેલા સુધારા વિશે વાત કરતાં તેઓ જણાવે છે કે, “પાટણ અને સુરેન્દ્રનગરનાં કેટલાંક ગામોમાં સ્થાનિક વહીવટી તંત્ર અને સ્થાનિક આગેવાનોની સમજાવટથી ગામ પાસે રહેતા કેટલાક ડફેર પરિવારોને પ્લૉટ મળ્યા છે. પરંતુ હજુ પરિસ્થિતિમાં સુધારાની માત્ર શરૂઆત થઈ છે તેવું કહી શકાય.”

“હજુ પણ ઘણાં ગામોમાં સ્થાનિક ગ્રામજનોના વિરોધને પગલે ઘણા ડફેરોને પ્લોટ મંજૂર થઈ ગયા છતાં ફાળવણી નથી કરાતી.”

“તો ક્યાંક પ્લોટની મંજૂરી સામે ગ્રામજનો દ્વારા વાંધા રજૂ કરવામાં આવે છે.”

“સમાજના મુખ્ય પ્રવાહમાં રહેલા લોકો દ્વારા ડફેર કોમના લોકોના આવા તિરસ્કારને કારણે જ તેઓ વંચિત રહી ગયા છે.”

 

‘જનાજો કલાકો સુધી ખભે લઈને ભટકવું પડે છે’

 

 

 

ડફેર સમુદાયના લોકો પોતાના સ્વજનોનું મરણ થાય ત્યારે સ્થાનિક કબ્રસ્તાનમાં તેમની દફનવિધિ કરવા માટે પણ ઘણી વાર પરવાનગી ન અપાતી હોવાની વાત કરે છે.

ઉમરભાઈ ડફેર જણાવે છે કે, “અમારા સમુદાયના માણસોએ જીવતે જીવ તો રહેઠાણના અભાવે ઠેરઠેર ભટકવું પડે છે, પરંતુ વધુ દુ:ખદ વાત તો એ છે કે મરણ બાદ મૃતકના જનાજાને ખભે લઈને સમુદાયના લોકોએ કલાકો સુધી એક ગામથી બીજા ગામ ભટકવું પડે છે.”

“જીવનભર સુખની ઘડી ન ભોગવનાર મારા સમુદાયના લોકોને મરણ બાદ દફન થવા માટે જમીન મેળવવી મુશ્કેલ બની જાય છે.”

સ્વજનના મરણ બાદ તેમની દફનવિધિમાં પડતી મુશ્કેલીઓ વિશે વાત કરતાં હયાતભાઈ ડફેર કહે છે કે, “જ્યારે પણ અમારા કોઈ સ્વજનનું મરણ થાય તો જ્યાં આટલાં વર્ષોથી અમે રહેતા હોઈએ તે ગામ અને આસપાસનાં ગામોનાં કબ્રસ્તાનમાં પણ તેમની દફનવિધિ નથી કરવા દેવાતી.”

“અમારે અમારા સ્વજનની દફનવિધિ માટે જનાજો લઈને બે-ત્રણ ગામ દૂર જવું પડે છે.”

“ઘણી આજીજી કર્યા બાદ કો’ક ગામના આગેવાનની મધ્યસ્થી બાદ અમને દફનવિધિની પરવાનગી અપાય છે.”

 

‘સરકારને અમારી કાંઈ પડી જ નથી’

 

 

ડફેર સમુદાયના ઉત્થાન માટે સરકાર અને તંત્ર દ્વારા કરાયેલા પ્રયત્નોને સાવ નામમાત્ર ગણાવતાં દિલાવરભાઈ ડફેર કહે છે કે, “અમારી પાસે પોતાનું કહી શકાય એવું કંઈ જ નથી. ના ઘર, ના જમીન કશું જ નહીં.”

“થોડાં વર્ષો પહેલાં તો અમારી પાસે પૂરતા દસ્તાવેજો પણ નહોતા. હજુ પણ અમારા સમુદાયના લોકોને રોજગાર અને ઘર જેવી પ્રાથમિક સુવિધાઓ પણ ઉપલબ્ધ નથી.”

“સરકારને તો જાણે અમે દેખાતા જ નથી. સરકાર અને તંત્રની અદેખાઈને કારણે જ અમારો સમુદાય સાવ પછાત રહી ગયો છે.”

હયાતભાઈ ડફેર કહે છે કે, “મારા સમુદાયના લગભગ બધા લોકો સરનામા વગરનું જીવન ગાળી રહ્યા છે. અમારા સમુદાયના લોકો પાસે પોતાની ઓળખાણના અને અન્ય જરૂરી દસ્તાવેજો હોતા નથી. જે કારણે અમને કોઈ સરકારી સુવિધાઓ નથી મળી શકતી. સરકારને અમારી પડી નથી, કારણ કે અમે એમના મતદાર નથી.”

જોકે, કેટલાંક સ્થળે સ્થાનિક તંત્ર અને સ્વયંસેવી સંસ્થાઓના પ્રયત્નોને પરિણામે અમુક ડફેર પરિવારોને રહેઠાણ બાંધવા માટેના પ્લૉટ ફાળવવામાં આવ્યા છે.

પરંતુ જ્યારે સરકારી તંત્ર તરફથી ડફેર સમુદાયને રાહત મળે છે, ત્યારે સમાજના અન્ય વર્ગના લોકો આ રાહતને મુશ્કેલીમાં ફેરવી દેતા હોવાનું ડફેર સમુદાયના લોકો જણાવે છે.

સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના દાણાવડ ગામમાં રહેતા રહીમભાઈ ડફેર, પાછલાં 18 વર્ષથી દાણાવડ ગામ પાસે એક ઝૂંપડું બાંધીને રહે છે.

તેઓ કહે છે કે, “અમને નજીકના દિગસર ગામમાં તંત્ર દ્વારા પ્લૉટ ફાળવવામાં આવ્યા હતા, પરંતુ આસપાસનાં ત્રણ ગામના લોકોએ આ ફાળવણી સામે વાંધો રજૂ કરતાં પ્લૉટની ફાળવણી રદ કરી દેવાઈ છે, હવે અમે ફરીથી જમીનવિહોણા બની ગયા છે.”

ગામવાળાના વાંધા-વિરોધના કારણ વિશે તેઓ જણાવે છે કે, “ગામના લોકોને કદાચ બીક હશે કે આ લોકોને ગામમાં રહેવા દઈશું તો ગામમાં અવારનવાર પોલીસ આવશે.”

“ઉપરાંત કદાચ તેઓ મુસ્લિમોને તેમની સાથે ન રાખવા માગતા હોય તેવું પણ બની શકે.”

 

યોજનાઓ તો છે પણ…?

 

 

જોકે, રાજ્યના સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રી ઈશ્વરભાઈ પરમાર સરકાર દ્વારા ડફેરો સહિત તમામ વિચરતી વિમુક્ત જાતિઓના ઉત્થાન માટે કામ કરાઈ રહ્યું હોવાનું જણાવે છે.

આ જાતિઓ માટે ઉપલબ્ધ સરકારી યોજનાઓ અને સહાય વિશે વાત કરતાં તેઓ કહે છે કે, “સરકાર દ્વારા ડફેરો સહિત અન્ય વિચરતી વિમુક્ત જાતિઓના વિકાસ માટે ઘણી બધી યોજનાઓ ચલાવાઈ રહી છે અને હાલના બજેટમાં પણ ઘણી યોજનાઓને મંજૂરી અપાઈ છે.”

“સમયાંતરે આ સમાજના લોકો પાસેથી અરજીઓ મગાવવામાં આવે છે, તેમની અરજીઓ મંજૂર કરાયા બાદ તેમને જરૂરી લાભો આપવામાં આવે છે.”

” આ સિવાય ઓછા વ્યાજના દરે લોન આપવાની પણ યોજના છે. તદુપરાંત આ સમાજના લોકોને વ્યવસાય શરૂ કરવા માટે ચૂકવણીપાત્ર ન હોય તેવી લોન આપવામાં આવે છે.”

“આ સિવાય પણ બજેટમાં ઘણી બધી જોગવાઈઓ આ જાતિના વિકાસને ધ્યાને રાખીને કરવામાં આવી છે.”

ડફેર સમુદાયના લોકોને આવાસ યોજનાના લાભ અપાતાં હોવાની વાત કરતાં તેઓ કહે છે કે, “અમે ડફેર સમુદાય સહિત અન્ય વિચરતી જાતિના લોકોને પણ આસપાસનાં ગામોમાં અનેક પ્લૉટ ફાળવ્યા છે.”

“તેમજ તેમને પંડિત દિનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના અને વડા પ્રધાન આવાસ યોજના હેઠળ આવરી લીધા છે. જેમ-જેમ આ સમાજના લોકો તરફથી માગણીઓ આવતી રહે છે, તેમ તેમ સરકાર દ્વારા આ સમાજના લોકોની ઉચિત સહાય કરવામાં આવે છે.”

ડફેર સમાજને પ્લૉટ ફાળવાયા બાદ ફાળવણી રદ કરાઈ હોય તેવો કોઈ બનાવ પોતાના ધ્યાનમાં ન હોવાની વાત કરતાં તેઓ કહે છે કે, “આવી જાતિઓને ગામમાં પ્લૉટ ફાળવ્યા બાદ ફાળવણી રદ કરાઈ હોવાનો કોઈ બનાવ મારા ધ્યાનમાં આવ્યો નથી.”

” જો આવું કઈ બન્યું હોય તો જે તે સમુદાય અને ગ્રામજનોના પ્રશ્નો અને રજૂઆતો સાંભળી યોગ્ય ઉકેલ લાવવા પ્રયત્ન કરાશે.”